Friday 29 March 2013

બે રંગ કરે છે નાગરિકોનાં મનને બેરંગ


 હોળીનાં દિવસે પોસ્ટ કરવા ધારેલો આ લેખ થોડો મોડો પોસ્ટ કરી રહ્યો છું. હોળી નિમિત્તે એટલા માટે કારણ કે આ વખતનાં લેખમાં રંગોની વાત છે. તે પણ પોલીસ સ્ટેશનો અને તેનાં મફતમાં રંગી અપાતાં પાટીયાં પર જોવા મળતાં બે રંગ - લાલ અને વાદળીની. આ બે રંગ હોય ત્યાં થોડી ખાખીની વાત પણ સ્વાભાવિક રીતે થાય જ. થોડા સમય પહેલાં કંઇક એવું બન્યું કે આ લેખ-બે રંગ પર લખવાની પ્રેરણા મળી.

                                                                      ***

અમદાવાદમાં વસતા લોકોને ખબર જ હશે કે ગુન્હાનાં સ્થળ પર પોલીસ ઝડપથી પહોંચી શકે તે માટે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પીસીઆર વાન (પોલીસ કન્ટ્રોલ રૂમ વાન) મૂકવામાં આવી છે. પોલીસ સ્ટેસનદીઠ એકાદ વાનથી શરૂ કરાઇને તબક્કાવાર તેમાં વધારો કરવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે થોડા સમય પહેલા જ પીસીઆર વાનનો નવો જથ્થો આવ્યો હતો.
આ જથ્થાને જે-તે પોલીસ સ્ટેશનમાં ફાળવી અપાયો હતો. નવી વાન સંપૂર્ણ સફેદ રંગની હતી. જોકે અમુક સમય બાદ અચાનક જ આ વાનોની ઉપર ઠેક-ઠેકાણે પોલીસનાં ડરનાં પ્રતિક બની ગયેલા લાલ-વાદળી રંગનાં ડીઝાઇનર પટ્ટા જોવા મળ્યાં. પીસીઆર વાન પર આ બે રંગ જોયા પછી સાચું કહું તો અમુક અંશે અનઇઝીનેસની ફીલ થઇ. આ લાગણીએ બે રંગ વિશે અને તેને લગતી કેટલીય વાતો યાદ કરાવી દીધી.

                                                                        ***

સૌથી પહેલો વિચાર આવ્યો કે, પોલીસ સાથે કેટલીય વખત પનારો પડતો હોવા છતાં આપણને આ બે રંગ પરેશાન કરી શકતાં હોય તો સામાન્ય નાગરિકને તો તેનો કેટલો બધો ડર હશે. હું કોલેજિયન તરીકે આજથી દશ વર્ષ પહેલાં અમદાવાદનાં 'ખૂન કેપિટલ' ગણાતાં વિસ્તાર અમરાઇવાડીનાં પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે આ બે રંગ જ હતાં કે જેને જોઇને મને ડર લાગ્યો હતો. જીવનમાં પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં ગયાનો રોમાંચ હતો. કંઇક ધાડ મારીને આવ્યો હોવું તેમ કેટલાયને કહ્યું હતું કે મેં આજે પહેલી વખત પોલીસ સ્ટેશન જોયું. કારણ એક જ હતું કે - આ સ્થળે જવામાં બધાને ડર લાગે છે. એ ડર વર્ષોથી પોલીસનાં પર્યાય બનેલા લાલ-વાદળી અને અફકોર્સ ખાખી રંગનો જ હોય છે.

વિષયાંતર ન કરતાં લાલ અને વાદળી પર પાછો ફરું. અમદાવાદમાં નવા પોલીસ સ્ટેશનોને સફેદ રંગે રંગાયા છે. નવા પો.સ્ટે.માં જતી વખતે તમને એટલો ડર કે અજંપો નહીં લાગે જેટલાં લાલ-વાદળી રંગનાં પો.સ્ટે.માં જતાં. આ વાતને પાકી કરવા માટે આ લેખ સાથે બંને રંગ ધરાવતાં પોલીસ સ્ટેશનનાં ફોટો મૂક્યા છે. તમને પણ લાલ-વાદળી રંગ વાગ્યા વગર રહેશે નહીં.
નરોડા પોલીસ સ્ટેશન ( (અમદાવાદ) - લાલ અને વાદળી રંગે વર્ષોથી પ્રજાનાં મનમાં ડરને  સ્થાન આપ્યું છે

સેટેલાઇટ પોલીસ સ્ટેશન (અમદાવાદ) -  પેલા બે રંગ ન હોવાથી નાગરિકની પો.સ્ટે.માં જવાની હિંમત વધશે


આ બંને રંગોનો ટેરર હવે પોલીસ સ્ટેશનની બહાર નીકળીને રસ્તા પર ફરવા લાગ્યો છે. આ ટેરર તમને ગમે ત્યાં મળી જાય. ના ના, હું ફરી પીસીઆર વાનની વાત નથી કરતો પરંતુ શહેરીજનોનાં વાહનોની વાત કરું છું. એ વાહનો જેની આગળ અને પાછલ લાલ-વાદળી રંગનાં પટ્ટાથી નાગરિકોને ડરાવવાની કોશિશ થાય છે. પોલીસ હોય કે ન હોય, લોકો આ બંને રંગનો છૂટથી ઉપયોગ કરી રહ્યાં છે. દેખીતી રીતે તે ઉપયોગ લોકોને ડરાવવા માટે જ થઇ રહ્યો છે.
વાહનો પર આ બંને રંગો લગાવીને લોકોને ડરાવાય છે
જય માતાજી, રાજપૂત, બાપુ, પોલીસ વગેરે કેટલાય નામો સાથેનાં વાહનો લોકોને રસ્તા પર ડરાવી રહ્યાં છે. કોઇ સમાજ કે શ્રદ્ધા સાથે રંગોને જોડવામાં કશુંય ખોટું નથી, પરંતુ તેનો હેતુ જ્યારે લોકોમાં ડર ફેલાવવાનો હોય ત્યારે તે નિંદનીય બની જાય છે. આ બે રંગો સાથેનાં વાહનો બેફામ ગતિએ દોડતાં કેટલીય વખત નજરે ચડે છે. કદાચ, જાણીતા સાઇકોલોજીસ્ટ્સને પૂછીશું તો તેઓ પણ આ વાતને સમર્થન આપશે.

રંગો વિશેનાં આ વિચારો ઘણા દિવસ ચાલ્યા. પાંચેક વર્ષ પહેલાં ગોવા ફરવા ગયો હતો ત્યારનો કિસ્સો પણ રંગોની આ વાતમાં જોડાયો. ચાર દિવસ ગોવા રહ્યાં હતાં તે દરમિયાન સૌથી વધુ વાત અમે એ કરી હતી કે બીચ પર આટલા બધા ટુરીસ્ટ્સ છતાં ભાગ્યે જ ક્યાંક પોલીસ દેખાય છે, અને તે વિચારનાં સથવારે જ અમે ખાસા રીલેક્સ થઇને ગોવા માણી શક્યા હતા. એક દિવસ અમે કોઇ બીચ પર નાહવાની મજા માણી રહ્યા હતાં ત્યારે અમુક ટુરીસ્ટ્સ વચ્ચે ઝગડો થયો. અમારા આશ્ચર્ય વચ્ચે ઝગડાનાં સ્થળથી અમુક મીટરનાં અંતરે જ ઉભેલા અને ટુરીસ્ટ્સ જણાતાં બે ભાઇઓ પોતે પોલીસ છે તેમ કહીને પ્રગટ થઇ ગયા. તેમણે ઝગડો શાંત પાડી દીધો. ઝગડાએ જેવું ઉગ્ર સ્વરૂપ લીધે કે તરત જ તે બંને ભાઇઓ સિટીઓ મારતાં ઘટનાસ્થળે આવી ચડ્યાં હતાં અને હનુમાનજીની જેમ છાતી ચીરતાં હોય તેમ પોતાનાં શર્ટ ખોલીને અંદરથી વર્દીને ડોકાવી હતી. ઝગડો પૂરો થયો અને બધા પોતાનાં કામમાં પરોવાયા. આ કિસ્સો કહેવાનો અર્થ એ છે કે જો પોલીસ પોતાનાં 'રંગ' સાથે ત્યાં હાજર હોય તો ટુરીસ્ટ્સને જે મજા લેવી હોય તે ન લઇ શકે તે ગોવા પોલીસને ખબર હશે. અહીં કોઇ એવી દલીલ પણ કરી શકે છે કે, જો પોલીસ વર્દીમાં હોત તો પેલા લોકોએ ઝગડો કર્યો જ ન હોત. જોકે તેનો જવાબ એ છે કે પોલીસ વર્દીમાં હોય તો ટુરીસ્ટ્સને ચિંતામુક્ત થઇને ફરવું હોય તો ન ફરી શકે. એકાદ ઝગડા માટે તેઓ વર્દી પહેરીને હજારો ટુરીસ્ટ્સને ટેન્શનમાં શા માટે નાંખે?

વધુ એક કિસ્સો એ પણ યાદ આવ્યો કે ચારેક વર્ષ અગાઉ સુરેન્દ્રનગરમાં સુપ્રિ. ઓફ પોલીસે પણ પોલીસની વર્દી અને અન્ય રંગો બદલવાનાં પ્રયત્નો કર્યા હતાં. આ વિશે તપાસ કરતાં બીજી વિગત એ જાણવા મળી કે પાંચેક વર્ષ અગાઉ  ગુજરાત પોલીસે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઇનને પોલીસ અને ટ્રાફિક પોલીસનાં યુનિફોર્મને નવેસરથી બનાવવા આપ્યા હતાં. જેમાં રંગો બદલાવાની વાત જ હતી.
લાગતું નથી કે આ રંગો હવે બદલાય તો સારું?
(તસવીર સૌજન્યઃ digantart.com)
વર્દીનો રંગ બદલાય તો પોલીસની પ્રજામાં જે છાપ છે તે સુધરે તેવા હેતુ સાથે એનઆઇડીને ઓર્ડર અપાયો. એનઆઇડીએ આશરે 40 વોશ સુધી મહેકતો રહે તેવો યુનિફોર્મ બનાવ્યો. સાથે દસેક વસ્તુ રહી શકે તેવો અદભૂત મલ્ટીપર્પઝ બેલ્ટ પણ બનાવ્યો. જોકે જ્યારે આ ડ્રેસ પહેરવાની વાત આવી ત્યારે કેટલાય પોલીસ અધિકારીઓએ વિરોધ કર્યો કે જો આ ડ્રેસ અમે પહેરીશું તો અમને કોઇ ગાંઠશે નહીં. દાયકાઓથી પોલીસ રીફોર્મ્સની વાત કરતાં દેશની પોલીસ આટલો નાનો ફેરફાર પણ સહન ન કરી શકી. મુદ્દો એ જ છે રંગનો. એટલે કે રંગનાં ડરનો. જોકે હકીકત કંઇક અલગ જ છે. તે એ કે, ગુનેગારો તો પોલીસનાં કોઇ 'રંગ'થી ડરતાં જ નથી, તે લોકો તો તેમનું કામ કરી જ લે છે. સાબરમતી સુરંગકાંડ અને છાશવારે થતી ચડ્ડીબનિયાનધારી ટોળકીઓની લૂંટ તેનાં સૌથી મોટા ઉદાહરણ છે. માટે પોલીસને હકિકતમાં તો સામાન્ય નાગરિકોને ડરાવવા માટે 'રંગ'ની જરૂર છે. પોલીસનાં આ રંગ નાગરિકોને ખૂબ હેરાન કરે છે. અને તેથી જ તેને બદલવાની તાતી જરૂર છે. રંગ બદલાશે તો પોલીસની માનસિકતા પણ બદલાશે. આધુનિક અને પ્રોફેશનલ ટચ સાથેનાં યુનિફોર્મમાં રીફોર્મ ભળે તો પોલીસ સાચે જ 'મે આઇ હેલ્પ'નું સૂત્ર સાર્થક કરી શકશે.

નવી ભરતી થયેલા કેટલાય કોન્સ્ટેબલોને ખાખી રંગની શરમ આવતી હોવાથી તેઓ ઉપર બીજો શર્ટ પહેરીને ફરજ પર આવે છે અને ફરજ પત્યા પછી તે શર્ટ પાછો પહેરી લે છે તેવું પણ જોવા મળ્યું છે.

લેખ વાંચીને કેટલાય લોકો દલીલ કરશે કે માત્ર રંગ બદલવાથી પોલીસ બદલાઇ ન જાય... તેમની તો માનસિકતા બદલાવી જોઇએ..... નવો રંગ આવ્યાનાં થોડા સમય પછી તે લોકો નવા રંગથી ડરાવશે... નાગરિકોની માનસિકતા પણ બદલાવી જોઇએ વગેરે...

સાચું કહું તો, આ રંગોનો ડર માત્ર અને માત્ર સામાન્ય નાગરિકને જ છે. આ રંગોને સરેન્ડર થઇ જતાં ગુનેગારો પાસેથી પોલીસ નિયમિત હપ્તા લે છે અને સરેન્ડર ન થતાં લોકો પોલીસને ગાંઠ્યા વગર પોતાનાં ગુના કર્યે જાય છે. છેલ્લે બચ્યા કોણ, તમે અને હું?

Tuesday 12 March 2013

આનાથી વિશેષ શરૂઆત હોઇ જ ન શકે!

2007માં માસ્ટર્સ ઇન જર્નાલિઝમ સ્ટડીઝનું ડિઝર્ટેશન 'બ્લોગ' પર કર્યું હોવા છતાં વિવિધ કારણોસર છ વર્ષ સુધી બ્લોગની એકપણ પોસ્ટ કરી શક્યો ન હતો. જોકે તમામ કારણોમાં સૌથી મોટું કારણ હતું વાચક. પત્રકારત્વ શરૂ કર્યું ત્યારથી કંઇ પણ લખતાં પહેલાં હંમેશા એક વિચાર મનમાં હોય છે કે કોઇ પણ ભોગે વાચકનો દ્રોહ ન કરવો. વાચક જ છે કે જે તમારા શબ્દોને ક્યારેય મરવા નથી દેતો. બ્લોગ શરૂ કરવાનું વિચારતો ત્યારે પણ આ વિચાર હંમેશા આગળ રહેતો. ન હતો ઇચ્છતો કે વાચકને છીછરું લખાણ, ઠાલા અનુવાદો, સંપાદનો કે જ્ઞાન આપીને છૂટી જવું. નક્કી કર્યું હતું કે, પૂરતું ભાથું હશે પછી જ બ્લોગનાં મંડાણ કરીશું. ભાથું - વિષય વૈવિધ્યનું હોય કે પછી અનુભવોનું, તે જેટલું સમૃદ્ધ હશે તેટલું જ ભવ્ય લખાણ હશે તેવું હું માનું છું. બસ, તે માન્યતાની હૂંફે આજથી બ્લોગનાં મંડાણ કરું છું. બને ત્યાં સુધી પોતાનાં વિશે લખવાનું ટાળવાનું નક્કી કર્યું છે. જોકે આ પ્રથમ પોસ્ટમાં થોડી છૂટ લઇ લઉં છું. બ્લોગનું નામ 'કંઇ પણ' રાખ્યું છે. બ્લોગ દ્વારા અઠવાડિયે એક વખત મળવાનો ક્રમ જળવાઇ રહે તેનો પ્રયત્ન રહેશે.

****

આજે કરું કાલે કરું.... તેમ કરતાં છેલ્લે 8 માર્ચે સવારે નક્કી કર્યું કે આજે તો બ્લોગ શરૂ થઇ જ જવો જોઇએ, હવે બહું થયું. પ્રથમ પોસ્ટ હોય ત્યારે તે ખાસ હોવી જોઇએ તે વિચારે બે-ત્રણ સબ્જેક્ટ નક્કી કર્યા. તે વિષયો ધમાકેદાર ન હતાં પરંતુ પ્રથમ પોસ્ટને છાજે તેવા તો હતાં જ. રાતે 10.30 વાગ્યે થાકીને ઘેર આવ્યા પછી મમ્મી પાસે બેઠો હતો. ફટાફટ જમીને ઉપર જઇને પ્રથમ પોસ્ટ લખવી તેવું નક્કી કરીને આવ્યો હતો. વાતો વાતોમાં મમ્મીએ કહ્યું કે તે જોયું આજનાં છાપામાં મહાસમુંદ વિશે આવ્યું છે. મેં પૂછ્યું શું આવ્યું છે. તો તેમણે કહ્યું કે, વિશ્વ મહિલા દિવસનો આ લેખ જો. તેમાં લખ્યું છે કે (છત્તીસગઢ રાજ્યનાં) મહાસમુંદ જિલ્લામાં તમામ મોટા હોદ્દા પર મહિલાઓ જ છે. આ સાંભળીને થાકેલા શરીરમાં અચાનક જ ચેતન આવ્યું. ફટાફટ લેખ વાંચી ગયો અને મમ્મી સાથે મહાસમુંદ વિશે વાતે વળગ્યો. બસ, પછી તો નક્કી થઇ ગયું કે બ્લોગની પ્રથમ પોસ્ટ તો મહાસમુંદ પર જ હશે. કારણ કે, મહાસમુંદમાં જ મારા મમ્મી પારસબેનનો જન્મ થયો હતો!

દિવ્ય ભાસ્કરમાં 8 માર્ચનાં રોજ આવેલો મહાસમુંદનો લેખ

         મમ્મીનો જન્મ 1960માં મહાસમુંદ થયો ત્યારે તે મધ્યપ્રદેશનું એક નાનું નગર હતું. તે સમયે ત્યાં માંડ 15 હજારની વસતિ હશે. છત્તીસગઢ રાજ્ય બન્યું ત્યારે મહાસમુંદ તેનો હિસ્સો બન્યું હતું. શરૂઆતમાં પાટનગર રાયપુરમાં રહ્યા બાદ તે હવે જિલ્લો બન્યું છે. તેની વસતિ વધીને 50 હજાર આસપાસ પહોંચી છે. જોકે છેલ્લા 50 વર્ષમાં અહીંયા ઘણા ફેરફારો થઇ ગયા છે. મહાસમુંદનો પેલો લેખ વાંચીને થયેલા સવાલોનાં મમ્મીએ આપેલા જવાબો અને તેમણે જણાવેલી કેટલીક વાતો જાણીને રોમાંચિત થઇ ગયો હતો. કેટલીક વાતો તો માનવામાં જ ન આવે તેવી હતી.

મારા નાના લક્ષ્મીચંદ રાધનપરા (સોની) રાજકોટ જિલ્લાનાં સરપદળ ગામમાં રહેતા. ગુજરાતનાં કેટલાય સોનીઓ જેમ કમાવાનાં હેતુસર માઇગ્રેટ થયા છે, તેમ નાના પણ છત્તીસગઢનાં એ નાનકડાં નગર મહાસમુંદમાં પહોંચ્યા હતાં. મહાસમુંદ આમ તો કોઇ બિઝનેસ માટે જાણીતું નહીં, પરંતુ ગામમાં ઓઇલ અને રાઇસ મિલોનું પ્રમાણ નોંધપાત્ર હતું. જેથી શેઠિયા પણ ખરાં. નાના તે વખતે આખા ગામમાં એકમાત્ર સોની હતાં. ઉત્તમ કારીગર પણ ખરા. તેમની કારીગરી ગામમાં ખૂબ વખણાતી થઇ. ત્યાં સુધી કે મારવાડીઓ અમારી દુકાને 100 તોલા સોનું ઘરેણા માટે એડવાન્સમાં મૂકી જતાં હતાં. તે ભારેખમ ઘરેણાં આજે મારા મામાની દુકાને ભંગાવવા માટે આવે છે ત્યારે તેના માલિકો મામાનાં દીકરાને ગર્વથી કહે છે કે આ સેટ તમારા દાદાએ બનાવ્યો હતો, હજુ એમનો એમ જ છે. મામાનો દીકરો કહેતો હોય છે કે તે સેટ એટલો ભવ્ય લાગતો હોય છે કે તેને જોઇને ભાંગવાનું મન ન થાય! મહાસમુંદમાં મમ્મી સહીત છ ભાઇ-બહેનનો પરિવાર હતો. જોકે હવે માત્ર સૌથી મોટા મામા જ ત્યાં રહે છે, બાકી બધાનાં પરિવારો ગુજરાતમાં પરત ફર્યા છે.

મારા મમ્મી: પારસબેન
તે વખતનાં મહાસમુંદને યાદ કરતાં મમ્મી કહે છે કે, અજાણ્યા પ્રદેશમાં હોવાથી અમારા પર ખૂબ જ નિયંત્રણ રહેતું. સ્કૂલમાં રીસેસ પડે તો પણ ઘરમાં હાજરી પૂરાવવા આવવું પડતું. હોળીનાં પ્રસંગે તો બાપુજી ઘરને તાળું મારીને બધાને અંદર પૂરી દેતાં. કારણ કે, દારૂ પીને પુરુષો છાકટાં થયા હોય. જો કોઇ મહિલા હાથમાં લાગી જાય તો તેને કાદવમાં બરોબરની રગદોળતાં. તે દિવસે અમને છત પર પણ ઊભા રહેવાની મનાઇ હોય. ગામમાં અમને ક્યાંય ફરવા ન મળતું. માત્ર જ્યારે સુરતથી મારા ફઇબા આવે ત્યારે તે અમને શાક માર્કેટ, મંદિર બધે ફરવા લઇ જાય. હા, માતાપિતા ફિલ્મ જોવા સાથે લઇ જતાં. અમારું ઘર મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં હતું. પડોશમાં પણ મુસ્લિમ રહેતાં. જોકે બાપુજીની કડકાઇને જોતાં અમે તે બપોરે ઊંઘી જતાં ત્યારે બાજુનાં ઘરનાં ઓટલે આંબલી ફોડવા જતાં. (જંગલો નજીકમાં હોવાથી આંબલી ફોડવા જેવો જંગલ આધારિત ગૃહઉદ્યોગ ગામમાં ચાલતો રહેતો.) બાપુજીની ઊંઘ ઉડે તે પહેલાં ઘેર પહોંચી જતાં. વૈષ્ણવોનું તીરથ ચંપારણ્ય પણ મહાસમુંદથી 50 કિમી જ થતું, તેમ છતાં અમે ક્યારેય ત્યાં ગયા ન હતાં. હું ચંપારણ્ય અમદાવાદ આવ્યા પછી 20 વર્ષે ગઇ હતી! 

વર્જિન જંગલોનાં રાજ્ય તરીકે જાણીતાં છત્તીસગઢનાં મહાસમુંદ નગરમાં આજથી 50 વર્ષ પહેલાં પાદરથી જ જંગલો શરૂ થઇ જતાં. તેના લીધે જ મહાસમુંદની માર્કેટો આદિવાસી-છત્તીસગઢી લોકોથી ઉભરાતી. તેઓ જંગલની વિવિધ પ્રોડક્ટસ લઇને બજારોમાં બેસતાં. મમ્મી તેને યાદ કરીને કહે છે, છેલ્લે હું જ્યારે મહાસમુંદ ગઇ (33 વર્ષમાં ચારેક વખત જ ગયા છે) ત્યારે મેં જોયું કે તે વખતની ભવ્ય માર્કેટ હવે નથી રહી. પહેલાં છત્તીસગઢી લોકો પાંદડાની અંદર લીલી ચારોળી લઇને બેસતાં. અમે તેને ખાતા અને પછી તેનાં ઠળિયાને ફોડીને તેની અંદરનું ફળ પણ ખાતાં. શેતુરથી પણ માર્કેટો છલકાતી. એવા કેટલાય ફળ અને શાક આવતાં જે આજે અદ્રશ્ય થઇ ગયા છે. તેંદુ નામની વસ્તુ પણ અમે ખાતાં. મેં તેને અંબાજીમાં એક વખત જોઇ હતી. ગામને પાદરે પહેલાં જંગલો જોવા મળતાં, હવે મકાનો થઇ ગયા છે.

મહાસમુંદમાં તહેવારો પણ ઠીકઠીક પ્રમાણમાં ઉજવાતાં. રથયાત્રાનાં દિવસે એક જ રથ આખા ગામમાં ફરે, તો ગણપિત ઉત્સવ પણ લોકો ઉજવતાં. અહીંની દશેરા ખાસ હોય છે કારણ કે લોકો તે દિવસે ગામનાં મેદાનમાં ભેગા મળીને પતંગ ચગાવે છે. બીજી રીતે કહીએ તો આપણી ધાબા ઉત્તરાયણ કરતાં તદ્દન અલગ  રીતે અને અલગ સમયે ત્યાં પતંગ ચગાવાય છે. તે સમયે છત્તીસગઢી સ્ત્રીઓનો પહેરવેશ એકમાત્ર સાડી જ હતો. અમારા ઘેર આવતાં કામવાળા બહેન પણ આ પરંપરાગત છત્તીસગઢી સાડી લપેટીને જ આવતાં. જોકે હવે નવી પેઢીએ સમય પ્રમાણે પોતાનાં વેશ બદલ્યા છે. છત્તીસગઢી પુરુષો પણ લુંગી કે ચડ્ડી લપેટીને ફરતાં હોય. તે લોકોમાં ગરીબી ખૂબ છે. હજુ પણ તે લોકો ગામમાં પગરીક્ષા ફેરવતાં કે મજૂરી કરતાં જોવા મળે છે.

ગામમાં લગભગ દરેક ઘરમાં વચ્ચે કૂવો હોય. ચોમાસામાં આ કૂવા આપોઆપ છલકાય જાય છે. ગત ચોમાસામાં જ કૂવો છલકાયો છે તેમ જાણવા મળ્યું હતું.

બીજા પ્રદેશ કે દેશમાં રહેતા ગુજરાતીઓ માટે ગુજરાત જેટલું નજીક રહેતું તેટલું જ મારા નાના માટે. તેમણે મારા ત્રણેય મામા, બે માસી અને મમ્મી સહિત તમામનાં લગ્ન દેશમાં (સૌરાષ્ટ્ર)માં જ કરાવ્યા. અહીંથી જન્મભૂમિ છાપું સબસ્ક્રાઇબ કરાવ્યું હતું. સમાજનાં મુખપત્રથી પણ ત્યાં અવગત રહેતાં હતાં. લગ્નમાં જ્યારે ઘર બંધ કરીને ગુજરાત આવવાનું થાય ત્યારે દાદા દુકાન અને ઘરમાં પડેલું બધું 200-300 તોલા સોનું પડોશમાં રહેતાં પોતાનાં મુસ્લિમ મિત્ર જમાલબાપાને ત્યાં સાચવવા માટે આપીને આવતાં હતાં. મમ્મી તેમને જમાલબાપા ભલે કહે પરંતુ કદાચ, નાના માટે તો તે 'જમાલ્યો' જ હશે, અને તે જમાલ્યા પર તેમને પૂરો ભરોસો હતો કે 300 તોલા સોનું મૂકીને તે નિશ્ચિંત બની દેશ આવતાં!

ચારેય ભાઇ-બહેનમાં માત્ર મોટી બહેનને જ ત્યાં જવાનો મેળ પડ્યો છે. દેશમાં આ પ્રદેશમાં આજે પણ સૌથી વધુ જંગલો છે, વર્જિન જંગલો છે. હા, આ રાજ્યનો 40 ટકા હિસ્સો જંગલોથી ઢંકાયેલો છે. તે અભડાય તે પહેલાં ત્યાં જવા ઇચ્છું છું. અનિલ ગુપ્તાની શોધયાત્રા છત્તીસગઢ ગઇ ત્યારે પણ જવાનું મન બનાવ્યું હતું. પરતું....!

કદાચ, આ લેખ પડ્યો પડ્યો મને ત્યાં જવાની યાદ અપાવતો રહેશે. બની શકે ખૂબ જ જલદી હું ત્યાંના જંગલો ખૂંદતો હોવું?